જરાક – રવીન્દ્ર પારેખ

[મનુષ્યના સ્વભાવની વિચિત્રતા એવી છે કે એને બધું રોજ એકધારું ચાલ્યા કરે તો ન ગમે અને ક્યારેક અચાનક બદલાવ આવે તો તે પણ ન ગમે ! રોજિંદા એકધાર્યા નિત્યક્રમ અને ક્યારેક થતા આ આકસ્મિક બદલાવથી તે મૂંઝાઈ જાય છે; અટવાઈ જાય છે. આ પરિસ્થિતિમાંથી પસાર થતા માણસના મનમાં જે તરંગો ઊઠે છે તેનું લેખકે આબેહૂબ ચિત્રણ કર્યું છે. પ્રસ્તુત વાર્તા ‘નવનીત સમર્પણ’ માર્ચ-2011માંથી સાભાર લેવામાં આવી છે. –તંત્રી.]

ચંદુભાઈને બહુ જ કંટાળો આવતો. એ શું સાલું રોજ ઊઠવાનું, બ્રશ કરવાનું, દાઢી કરવાની, ગરમ પાણીએ ના’વાનું, એ જ ડખુ ચોખા ઝાપટવાના, એ જ શર્ટ પહેરવાનું, એ જ બૂટ, એ જ મોજાં, એ જ નોકરી, એ જ ગ્રાહકો, એ જ રકઝક, એ જ રિસેસ, એ જ ચા, એ જ બિસ્કિટ, એ જ રિક્ષા, એ જ ઘર, એ જ પત્ની, એ જ રાત, એ જ રસીદ જેવો પ્રેમ, એ જ શરીર, એ જ રોજિંદો આવેગ, આવેગની ટેવ, એ જ સવાર, એ જ ઊઠવાનું ને સાલું ફરી બધું એનું એ જ !

ચંદુભાઈને એટલો કંટાળો ચડતો કે ચામડી નીચેથી ખોતરીને લોહી કાઢવાનું મન થતું. પછી થતું કે બળવા દો ! લોહી કાઢવાની ટેવ ચાલુ થઈ જશે. ઘણી વાર તો બાથરૂમમાં શાવર નીચે ચંદુભાઈને વિચાર આવતો : ‘આ હું કાલનું તો નથી ના’તોને ! આઈ મીન, આવતી કાલે, ગઈકાલનું !’ ઘાસની ગંજી હોય ને એકાદ તણખલું ખરી પડે ને ખબર પણ ન પડે તેવું થતું, ચંદુલાલને ! જાણે 365 દિવસનો બંચ છે ને તેમાંથી એક દિવસ ખરી પડે તો ખબરેય શી પડે ? ચંદુભાઈને તો કોઈ પણ દિવસ ખરે, સરખું જ હતું.

સવારે ઊઠતાં તો લાગતું કે ગઈ કાલનું ઊઠ્યો છું; પછી થતું, ના, ના ! આવતી કાલનું ઊઠ્યો છું. સાલું, આજ જેવું તો કંઈ ફીલ જ નથી થતું. પત્ની નાસ્તો લાવતી તો એ પૂછી બેસતા, ‘રમા, આ એકનું એક પત્નીપણું તને ગમે છે ? ગઈકાલે પણ તું આમ જ ચા લઈ આવેલી ને કદાચ આ જ બિસ્કિટ પણ હતાં….’
રમા હસતાં બોલતી, ‘ગઈ કાલે હું આવું હસી નો’તી. ગઈ કાલે તમે બિસ્કિટ ખાઈ ગયેલા. તે હવે આજે ક્યાંથી હોય ? આ બીજાં છે.’
‘પણ કંપની તો એ જ છે ને !’
‘કંપની એ જ છે, પણ બ્રાન્ડ જુદી છે.’
‘તું તને ગઈકાલની નથી લાગતી ?’
‘ન જ લાગું ને !’ રમા અવાજ વગરનું હસી, ‘ગઈ કાલે મેં ડ્રેસ પહેરેલો, આજે સાડી પહેરી છે.’
‘સાવ….’
‘રોંચા જેવી જ છું, એમ જ કહેવું છે ને ? પણ ન કહેતા. કાલનું કહી રહ્યા છો એવો ભ્રમ થશે.’ આ વખતે ચંદુલાલ હસ્યા, ડંખીલું. રમાને એમણે એવા તોરથી જોઈ કે તારામાં વળી બૂતું જ ક્યાં બળ્યું છે કે જીભાજોડી કરું ! પણ કશું બોલ્યા વગર એ વિચારતા રહ્યા : ‘આને કેટલું સુખ છે ! જેને એકવિધતાનો અનુભવ જ નથી તે વળી મારી હાલત ક્યાંથી સમજે ? આને આટલું સારું છે કે ફરિયાદ જ નથી ! જ્યારે અહીં તો…’

કારણ ખબર નથી પડતી, પણ ચંદુભાઈને રહી રહીને એવું થતું હતું કે આ એકનું એક જીવીને તો ખાલી ચામડી વધારવા જેવું જ થાય છે. નખ વધે ને નકામા થઈ જાય, તેવું થઈ ગયું હતું જીવન ! જીવન વધતું હતું ને નકામું થતું જતું હતું. કારણ વગર જ જાણે દિવસ આવતો હતો ને કશા જ કારણ વગર આગળ લઈ જઈને નવા એક દિવસ માટે છોડી દેતો હતો ને એ દિવસમાં ‘નવા’ શબ્દ સિવાય નવું કંઈ ન હતું.

ચંદુભાઈને પિક્ચર જોવાનું મન થયું. છાપું ઊથલાવ્યું. પત્ની, એ છાપા પર ફેલાવાની હોય તેમ તોળાઈ રહી.
‘પિક્ચર જોઈ આવું એમ થાય છે !’
‘હું આવવાની !’ રમાએ ઢંઢેરો બહાર પાડ્યો.
‘સારું,’ જેવું ચંદુભાઈથી તેમની જાણ બહાર બોલાઈ ગયું. પછી થયું કે બળ્યું ક્યાં બોલાઈ ગયું ! આ એ સાથે આવશે. એ જ બાલ્કની, એ જ અંધારું, એ જ હાથો વચ્ચે ગુસપુસ, એ જ ઈન્ટરવલ, એ જ બટાટાવડાં, એ જ એસ્પ્રેસો કોફી, એ જ કલાઈમેક્સ, એ જ ઘર, એ જ રાત, એ જ સવાર…..
‘નહીં !’ ચંદુભાઈ બરાડી ઊઠ્યા.
રમાએ હસીને પૂછ્યું : ‘શું નહીં ?’
‘બધું “એ જ એ જ” નહીં !’
‘તમે યાર, ચંદુલાલ ! સાઈકિયાટ્રિસ્ટને બતાવો.’
ચંદુલાલ તાડૂક્યા : ‘શું રોજ એ જ સાઈકિયાટ્રિસ્ટની મેથી માર્યા કરે છે ? તારી પાસે કોઈ નવો ટોપિક જ નથી ?’
‘છે ફિલ્મ જોવાનો ! પણ તમે તો “નહીં !” બોલીને વરઘોડો કાઢ્યો.’
‘રમા, તું વાત જ એવી કરે છે કે ગધેડાનેય તાવ આવે.’
‘ગધેડાને તો આવે જ !’

ચંદુભાઈએ ગળી જવાના હોય તેમ રમાને જોઈ. રમા એ નજર પારખી ન શકી એટલે બાહુકની જેમ ચંદુભાઈને જોઈ રહી. ચંદુભાઈએ માફ કરી દેતી નજરે રમાને ગાલે મીઠો ચીમટો ખણ્યો.
રમા : ‘ઓઈ !’ બોલી પડી, ‘સાડાનવ થયા છે, સૂવું નથી.’
‘આટલો મોટો ચીમટો ખાધા પછી પણ સૂવું છે તારે ?’
‘તો શું બીજો ગાલ ધરું ?’
‘ના, હવે ગાલ હું ધરું, ચીમટો તું ખણ !’
‘લાજો, જરા લાજો ! છોકરાને ઘેર છોકરા છે તમને…’ ફરી પાછું એ જ જૂનું ‘લાજો !’ ચંદુભાઈ અકળાઈ ઊઠ્યા. રમાને કહેવાનું મન થયું કે ‘યાર, ડાયલોગ તો બદલ ! છોકરાને ત્યાં છોકરા થયા તેમાં મારો શો વાંક ?’ પણ ચંદુભાઈ ચૂપ રહ્યા ને પથારીમાં લાંબા થઈ ગયા. રમા પણ તેમની બાજુમાં… ચંદુભાઈ બેઠા થઈ ગયા :
‘યાર ! એક કામ કરીએ ! તું આજે મારી જગ્યાએ સૂઈ જા ને હું તારી જગ્યાએ !’
‘તેથી થશે શું ?’ રમા અવાજ વગરનું હસી જાણે. આગલા અવાજની કલર્ડ ઝેરોક્સ !
‘થશે શું, શું ? તારું સપનું મને આવશે ને મારું સપનું તને આવશે.’
‘ના બાબા, ના ! તમારી બહેનપણીઓ મને વળગે તે ન પોસાય !’ ચંદુભાઈ ‘ફૂ’ દેતાંકને હસી પડ્યા, ‘માન ન માન. પણ તું છે ઈન્ટેલિજન્ટ !’
રમા પણ હસી : ‘એવું જે ઈન્ટેલિજન્ટ નથીને તેનાથી નક્કી ન થાય !’ ચંદુભાઈએ જોરથી ધબ્બો માર્યો ને પછી બંનેએ તકિયા તકિયાથી ફિલ્મી મારામારી કરી. ચંદુભાઈને સારું લાગ્યું.
****

‘સાંભળો છો ? મને, સારું નથી લાગતું !’ ચંદુભાઈને ખૂબ દૂરથી આવતો અવાજ ઝાંખો ઝાંખો સંભળાયો. જરા સળવળ્યા ને વળી ઘોરવા લાગ્યા. ભરઊંઘમાંય લાગ્યું કે કોઈ પોતાને હલાવી રહ્યું છે. હચમચાવી રહ્યું છે. ચંદુભાઈ ઘણે વખતે પોતાનામાં પાછા ફર્યા ને લાગ્યું કે રમા તેમને ઢંઢોળી રહી હતી. એકદમ બેઠા થઈ ગયા. થોડી આંખો ચોળી લીધી ત્યાં રમાના રડવાનો અવાજ એકદમ નજીક આવી ગયો. ‘રમા !’ તે અડધી ઊંઘમાં જ બોલ્યા, ‘રમા ! શું છે ? કેમ રડે છે ?’ ચંદુભાઈ હજી પોતાને સમેટી જ રહ્યા હતા. ડાબે રહેલી સ્વિચ ઓન કરી. અજવાળામાં રમા ચોધાર આંસુએ રડતી દેખાઈ. ચિરાડો પડી ગયો ચંદુભાઈને ! રમા, આટલું બધું રડતી હતી. તેમણે રમાના ગાલ પર હાથ ફેરવ્યો તો લાગ્યું કે રમા ક્યારની રડી રહી છે. કદાચ, ક્યારની ઉઠાડી રહી હશે પણ…. આ ચંદુડિયાની જાત, એમ અડધી ઊંઘે ઊઠે તો એ વળી ચંદુડિયો શાનો ? – તેમને પોતાની ઉપર ઘૃણા ઉપજી. આટલી અડીને સૂતેલી રમા, ક્યારની ઉઠાડી રહી હતી અને રડી રહી હતી ને પોતાને તો ખબર જ ન પડી ! કુંભકર્ણ, હં ! પછી થયું કે કુંભકર્ણ સિવાય પોતાને બીજી કોઈ ઉપમા ન આપી શકાઈ હોત કે !

ત્યાં તો રમા ‘ઓ, મા રે !’ બોલતી ચંદુભાઈને જોરથી વળગી પડી, ‘નથી વેઠાતું ચંદુલાલ, નથી વેઠાતું.’
‘શું થાય છે, રમુ !’
‘કલાકેકથી…. પેટમાં….’
‘ને તું મને હમણાં કહે છે’ જેવું ચંદુભાઈ કહેવા ગયા, પણ રમાને કંઈ કહી શક્યા નહીં ! એ બિચારી તો કલાકેકથી ઉઠાડતી હશે, પણ જીવ જ નહીં તે ઊઠે ક્યાંથી ! જાત પર નફરત આવી ચંદુભાઈને !
‘ઓ મા રે !’ રમાનો અવાજ ફાટી ગયો. ચંદુલાલે તેના કપાળ પર હાથ ફેરવ્યો.
‘હિંગ, અજમો આપું ?’
‘ફાકી માર્યાંને પણ કલાક થવાનો ! નથી વેઠાતું…. રે ! ઓ ભગવાન ! કોઈ ડૉક્ટરને….’
‘પણ અત્યારે કયો ડોક્ટર…..’
‘સાડાપાંચ થવા આવ્યા. ડુમસિયા ડૉક્ટરને ફોન કરોને ! પ્લીઝ ! ઓ માડી રે….’
હા, એને ફોન કરી શકાય, ચંદુભાઈને થયું. પણ એ તો બે પેગ મારીને પડ્યો હશે ઘોરતો….
‘જાવને !’ રમાએ ચંદુભાઈનો હાથ ખેંચ્યો, ‘બોલાવોને ડૉક્ટરને !’ ચંદુભાઈએ ગૂણ ઉપાડતા હોય તેમ પોતાને ઉપાડ્યા. મોબાઈલ ખેંચ્યો પોતાની તરફ ને ગ્રીન સ્વિચ દાબી. સ્ક્રીન પર લાઈટ ન થઈ. ચાર્જિંગ પૂરું થઈ ગયંો હતું. રમા વળ ખાઈ ખાઈને રડતી હતી. ચંદુભાઈએ રિસીવર ઉપાડ્યું ને ડુમસિયાનો નંબર ડાયલ કર્યો.
‘હલો, ડુમસિયા !’
‘કોન છે સવાર, સવારમાં ?’
‘અલ્યા, સોલી ! ચંદુ બોલું છું.’
‘બોલ, સું કામ પરિયું ?’
‘રમાને પેટમાં એકદમ દુખાવો ઊપડ્યો છે.’
‘આવિયો, ચાલ !’

ચંદુભાઈએ ફોન બાજુ પર મૂક્યો. રમા રીતસર બેડ પર આળોટતી હતી. ચંદુભાઈએ તેને માથે હાથ ફેરવ્યો.
‘રમા, રડ નહીં ! સારું થઈ જશે.’
‘અરે ! ભગવાન ! મરી જવાની રે !’ રમાએ હાથ પકડી લીધો.
‘એવું ના બોલ રે ! રમા !’
ચંદુભાઈની આંખો ભરાઈ આવી. તેમણે વહાલથી રમા તરફ જોયું. આટલી બધી લાચારી ! સામે પત્ની તરફડતી હોય ને પોતે તેની એકાદ રેખાય ઓછી ન કરી શકે, દુઃખની ? શું કરું તો રેખાને રાહત થાય – જેવું ચંદુભાઈ વિચારી રહ્યા. પણ એવું કંઈ જ સૂઝતું નો’તું જે કરવાથી રમાને રાહત થાય. રમાના વાળ વીખરાઈને ચહેરે આવી ગયા હતા. ચંદુભાઈએ વાળની લટ ઊંચે ગોઠવી.
‘તમારો તો ચાનો વખત ને હું….’
‘બળવા દે, ચાને !’ બોલતાં તો બોલી દીધું, પણ કંઈક ઓછું ઓછું તો અનુભવાયું જ. બોલ્યા તો બીજું જ, ‘આટલું દુઃખ છે ને મારી ચાની મેથી મારે છે !’
‘પછી ના’વાનું કેમ….’
‘રમુ, મારી ફિકર છોડ ! એક દિવસ નહીં ના’ઉં તો કંઈ ઉકરડો નથી થઈ જવાનો !’

ત્યાં તો ડોરબેલ વાગી. ચંદુભાઈએ દોડીને બારણું ખોલ્યું. સામે ડુમસિયો હતો.
‘શું થયું ચંદુડિયા !’
‘મને કંઈ જ નથી થયું, રમાને પેટમાં બહુ દુઃખે છે.’ ડુમસિયો સદરામાં જ ચાલી આવ્યો હતો. હાથમાંની બેગ ખુરશી પર મૂકી. ચશ્માં બદલ્યાં.
‘ભાભીજી ! શું થયું ? રાતના શું ખાઢેલું ?’
રમાએ રડતાં રડતાં કહ્યું, ‘નથી રે’વાતું…. ડુમસિયાભાઈ !’
‘નથી રે’વાતું શું અંઈ જ રે’વાસે, સમજિયું !’ ડુમસિયાએ નાડી પર આંગળીઓ દાબી, ‘રાતે ખાઢેલું સું !’
‘ચણા.’
‘ચના ટે કંઈ ખાવાની વસ્તુ છે. તે તો ઘોરાને ખવરાવાના ! આ ચંદુડિયાને ખવારિયા’ટા કે નૈં !’ ડુમસિયાએ રમાને જોઈને કહ્યું, ‘કંઈ નહીં. ગેસ ઠઈ ગિયો’ છ ! ઈંજેકશન મૂકી ડે’ઉં છ…. ને આ ગોરી પાની સાંઠે લઈ લેવ. એવરીઠિંગ વિલ્બી ઓલરાઈટ ! સમજિયું !’ સિરિંજ ભરી… ‘ચંદુડિયા, ભાભીને થાપા પર….’ ચંદુભાઈએ રમાને પડખું બદલાવ્યું.
‘જો ચંદુ ! મારું માને તો ભાભીને સોનોગ્રાફી કરાવી લે. આમ ટો ગેસ જ છે, પન ટુ બી ઓન સેફર સાઈડ…’ ચંદુભાઈએ હકારમાં ડોકું ધુણાવ્યું. ડુમસિયાએ એક ગોળી ગળાવીને સ્ટ્રિપ હાથમાં પકડાવી, ‘આજે કંઈ ભારે ખોરાક લેટા નંઈ. ખીચરી કે કાંઈ એવું જ લેજો. કલાકમાં ટો ઘોરાની કાંની ડોરટા થઈ જસો.’ ડુમસિયો ગયો.

રમાની આંખોમાં ઘેન હતું ને તેણે તો નસકોરાં બોલાવવા માંડ્યાં. ચંદુભાઈ થોડી વાર તો રમાને ઊંઘતી જોઈ રહ્યા. તેની પાછળ ટાંગેલા વોલ-કલોકમાં હજી તો નવ જ વાગ્યા હતા. રમાને ઊંઘતી રાખીને ચંદુભાઈ બાથરૂમમાં ઘૂસ્યા. હજી તો નવ જ વાગ્યા હતા, પણ વેન્ટિલેટરમાંથી દેખાતા તડકા પરથી તો એમ જ લાગતું હતું કે ઘણા બધા વાગી ગયા છે. સાડાપાંચના જાગતા હતા એટલે કદાચ નવ મોડા વાગ્યા હતા. બાથરૂમમાંથી બહાર નીકળી ચંદુલાલ કિચન તરફ ગયા. ચા મૂકવાની ઈચ્છા થઈ. પીધી. પણ, સ્વાદ બદલાઈ ગયો હતો. દૂધ-દૂધ વધારે લાગતું હતું. બ્રશ કરવાનું મન થયું પણ પેસ્ટ કાઢીને બ્રશ શોધ્યા કર્યું, પછી એમ જ દાંત પર પેસ્ટ ઘસી કોગળા કરી લીધા. બ્રશ ન થયું એટલે જરા અડવું અડવું લાગતું હતું. રમા નિરાંતે પડી હતી. તેનો કણસાટ ઓછો થઈ ગયો હતો. તેને જગાડીને કહેવાનું મન થયું કે ઊંઘમાં સુંદર લાગે છે. આમ તો રમાને ઊંઘતી જોવાનો પ્રસંગ જ ક્યાં પડ્યો હતો. મોટે ભાગે તો એ ઘોરતા હોય ને રમા તેમને ‘મોડું થઈ ગયું છે’, કહીને ઢંઢોળતી હોય. રોજ જ મોડું થઈ ગયું છે’ તેવું કાને પડતું જ હોય ! આજે ચંદુભાઈને મન થયું, ‘રમુ ! મોડું થઈ ગયું છે, ઊઠ !’
પણ ઊંઘતી રમાને ઉઠાડવાનો જીવ ન ચાલ્યો. ‘સૂવા દે, ચંદુડિયા !’ જેવું થયું. ગેસ પર પાણી મૂકવાનો વિચાર આવ્યો. રોજ તો બાથરૂમમાં તેમના પહોંચવા પહેલાં ટુવાલ, ડોલ પહોંચી ગયાં હોય ! ચંદુલાલે ટુવાલ ખભે નાખ્યો. બાથરૂમમાં શાવર ચાલુ કર્યો ને પીઠ પર પાણી ઝીલ્યું. તડતડાટી બોલી ગઈ ! પાણી ખૂબ ઠંડું હતું. ગરમ પાણીએ ના’વાની ટેવ ત્યાં ઠંડું પાણી પીઠ પર પડે તો ચામડી તો થથરે જ ને ! જેમ તેમ ના’ઈ લીધું. જલદી જલદી ટુવાલ રગડતા બહાર આવ્યા, પાયજામો ભીનો પહેરીને જ બહાર નીકળી આવ્યા હતા.

તડકો રૂમમાં પ્રવેશ્યો. થોડો લાંબો અને ઉદાસ હતો. એક ન સમજાય તેવી બેચેની રહી રહીને ઊઠતી હતી. કંઈ ગમતું ન હતું. ‘સોનોગ્રાફીમાં કંઈ આવે તો નહીંને !’ જેવી શંકાને તેમણે ઊઠતી જ દાબીને દુઃખને ઉપર ઊઠતું અટકાવવા ઉપર થોડી સારી સ્ત્રીઓના વિચાર નાખ્યા… ‘પેલી સ્ટાફમાં નવી આવી છે ને, સંગિની.. એ તો….’ ત્યાં તો રમા બેઠી થઈ ગઈ. ચંદુભાઈ દોડ્યા :
‘જાગી ગઈ ?’
‘મને ઉઠાડી નહીં ?’
‘આમ તો હું જાગતો હોઉં છું ત્યારે તું ક્યારે સૂવા પામે છે ?’
‘તો પણ ! દસ વાગ્યા !’
‘અગિયાર પણ વાગે તો શો વાંધો છે ?’
‘તમારી રિક્ષા આવી પહોંચશે ને જમવાનું તો….’
‘નથી જમવું’ ચંદુભાઈએ મજાક કરી, ‘તું સારી થઈ જા, પછી આપણે બંને બહાર જમવા જઈશું.’
‘આજે નહીં !’
‘કેટલા વખતથી તું બોલે છે, ‘કંસાર’માં જમવાનું. ક્યાં જવાય છે. આજે જઈશું.’
‘પણ..’
‘પણ, બણ કંઈ નહીં ! તું તૈયાર થઈ જા ! સોનોગ્રાફી માટે જવું છે ને !’
‘હવે મને સારું છે.’
‘પણ મને નથી ને ! આ તો મારી સોનોગ્રાફી માટે જવું છે.’ ચંદુભાઈ બોલ્યા ને રમા હસી. ઝડપથી બાથરૂમમાં જવા ગઈ ત્યાં ચંદુભાઈએ રોકી : ‘ના’વાની જરૂર નથી.’
‘પણ આમ ભૂતડી જેવી જ કેવી લાગું !’
‘ભૂતડી જેવી. સોનોગ્રાફી તારા થોબડાની નહીં, તારી હોજરીની કરવાની છે.’
‘પણ વાળ તો ઓળું કે નહીં ?’
‘ઓળી લે ! રિક્ષાવાળો આવતો જ હશે. એનો ટાઈમ થઈ ગયો છે.’

ને રિક્ષાવાળાનો હોર્ન વાગ્યો જ ! બારીમાંથી રિક્ષાવાળાને પાંચ આંગળી જોડીને પાંચ મિનિટનો ઈશારો કર્યો. રિક્ષાવાળો એઝયુઝવલ માવો મોમાં ઓરી રહ્યો હતો. બારણું લોક કરી બંને નીચે ઊતર્યાં. રમાને જોઈને રિક્ષાવાળો હસ્યો, ‘કેમ, આજે ભાભી પણ નોકરીએ લાગ્યાં કે શું ?’
‘ના, ભાભીની નોકરીએ હું લાગ્યો છું. વચ્ચેથી ટર્ન મારીને રિંગ રોડ પર લઈ લેજે. સોનોગ્રાફી માટે જવાનું છે.’
‘ઓ.કે. બોસ !’ બોલતાં રિક્ષા સ્ટાર્ટ થઈ. બહાર એક પિચકારી પડી. રિક્ષા ઊપડી. રિક્ષા ચાલતી રહી. રમા સળિયો પકડીને બહાર જોતી બેઠી હતી. ચંદુભાઈ પણ બીજી દિશાએ બહાર જ જોઈ રહ્યા હતા. વિચારતા હતા : સાલું, જુદું જુદું લાગે છે. સમય એ જ છે, પણ જતો નથી. તેમણે ખાતરી કરવા મોબાઈલ ચાલુ કર્યો. સાડાદસ ને પાંચ ! રોજ તો અગિયાર થઈ ગયા હોય ને મોડું થઈ ગયું હોય. આજે મોડા પડાતું જ નો’તું ! કદાચ વહેલા ઊઠ્યાનો ફાયદો હશે.

‘અલ્યા, આમ ક્યાં ચાલ્યો ?’ ચંદુભાઈ તડૂક્યા, ‘રસ્તો ભૂલ્યો કે શું ?’
‘સોરી, સર ! રોજ તો બેન્કમાં જવાનું હોયને એટલે ધૂનમાં એ જ રસ્તે નીકળી આવ્યો. વાંધો નહીં. જરાક ટર્ન મારીને ઘોડદોડ લઈ લઉં છું.’ રિક્ષાવાળાએ ટર્ન માર્યો ને રસ્તો બદલાઈ ગયો. રોજ તો એ જ રસ્તે જવાનું હતું ને આજે જરાક ટર્ન આવી ગયો હતો. કેટલા બધા દિવસ બેન્કને રસ્તે જ જતા હતાને ! આજે જરા રમાના પેટમાં દુખ્યું ને…. સાલો, એક આખો દિવસ સામે આવી ગયો હતો, જે બિલકુલ અજાણ્યો હતો ને અસહ્ય પણ !
ચંદુભાઈને સારું ન લાગ્યું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ‘નેટ’-લગ્ન અને ભેટ જુદાઈ – ગાર્ગી વૈદ્ય
ત્રણ સંસ્થાઓ – વિનોબા ભાવે Next »   

26 પ્રતિભાવો : જરાક – રવીન્દ્ર પારેખ

 1. ankit shah says:

  મને પણ આજે કંઇક નવુ વાંચવા મળ્યુ હોઇ એવુ લાગ્યુ…

 2. Viren Shah says:

  વાહ, શું સુંદર વાર્તા છે

 3. jeeten says:

  yah,thts human nature,,,likes do somethng different..good one from ravindrabhai……

 4. Jigisha says:

  Nice Story…. So True…

  In day to day life, we become so habituant with all the routine activites… and a single change in it sometimes pleases us.. and sometimes doesn’t ……

  I get upset on the day when I don’t get to read a new article on ReadGujarati.com….

 5. Nitin Pandya says:

  બહુ સુન્દર..એકદ ફ્રેશ અને સુન્દર રજુઆત..

 6. એકની એક વાત ચંદુભાઈને સારી નહોતી લાગતી. .
  પણ્. છેલ્લે ..
  સાલો, એક આખો દિવસ સામે આવી ગયો હતો, જે બિલકુલ અજાણ્યો હતો ને અસહ્ય પણ !
  ચંદુભાઈને સારું ન લાગ્યું !
  સુંદર રજૂઆત.

 7. Nishant says:

  Nice story, this is an actual situation of life which so many people feels everyday. But they dont know that their actual happiness is their family. jo aapde aapda busy life mathi thodo samy kadhi ne dararoj family sathe pasar kariye to darek jan ne ek navi j zindgi jivava malshe, kyarek mummy, papa pase koi pan apexa vina samay pasar kari ne jojo, kharekhar life no sacho anad aavshe ane amne pan khub j khushi malshe.

 8. nayan panchal says:

  એકદમ સુંદર મસ્ત વાર્તા. મજા આવી ગઈ.

  રવીન્દ્રભાઈને અભિનંદન,.

  નયન

 9. hiral says:

  સરસ વાર્તા….આભાર.

 10. Deval Nakshiwala says:

  એકદમ મસ્ત અને હટકે વાર્તા છે.

  ચંદુભાઈને આખરે રોજ કરતાં જુદો દિવસ માણવા મળ્યો ખરો. મને પણ ઘણી વખત આવું જ થાય છે.

 11. bhoomi says:

  nice story!!!very much enjoyed !!!need to break in our routine like chandubhai!!

 12. Vipul Chauhan says:

  A different story ! Liked it.

 13. maitri vayeda says:

  વાહ, મસ્ત વાર્તા…

 14. Really something new .delighted,,,,,Thanks to the editor shri Mrugeshbhai bringing something new……

 15. chintan says:

  એક્દમ સરસ્…નવિ વાત …

 16. Hetal says:

  very nice…sometimes we seek for change and when things does get changed then we don’t like it- we miss our routine- lol- Chandubhai could not stand the change at the end-hahaha

 17. M says:

  સરસ રજુઆત

 18. Chintan Oza says:

  વાહ..મસ્ત મજાની વાર્તા વાંચવાની મજા પડી ગઈ.

 19. ઈન્દ્રેશ વદન says:

  ખૂબ જ સુંદર અને નવીન વાર્તા.

 20. Jigar says:

  so true…….its happen all the time in our life….we always tire with our daily routine….we eager to have one different day…
  thanks Ravindrabhai for this new story..

 21. trupti says:

  તદ્દન નવા વિષય પર ની વાર્તા ખુબજ ગમી.

 22. શૈલેશ પ્રજાપતિ says:

  વાર્તા ઘનિ મઝાનિ લાગી .
  વાચવાની મઝા પડી..

 23. pritesh says:

  ખૂબ જ કહેવાય યાર……………………………..
  સરસ કહેવાય યાર……………………………..

 24. Vaishali Maheshwari says:

  Enjoyed reading this nice and different story. Human nature is described very well. Thank you Mr. Ravindra Parekh.

 25. Moxesh Shah says:

  ખૂબ જ સુંદર લેખ. માનવિય ભાવો નુ અદભુત નિરુપણ.

 26. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ વાર્તા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.