અંધત્વનું અજવાળું – રમણલાલ સોની

[ બાળસાહિત્ય તેમજ અન્ય અનેક પ્રકારનું સાહિત્ય સર્જનાર આપણા સૌના આદરણીય સાહિત્યકાર શ્રી રમણલાલભાઈ સોની જ્યારે સો વર્ષની ઉંમરની આસપાસ હતા ત્યારે કાગળ પર ટેકા માટે ફૂટપટ્ટી મૂકીને ખૂબ ઓછું દેખતી આંખે પણ તેમણે લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું. એ અવસ્થામાં લખાયેલા ઉત્તમ ચિંતનાત્મક અને અધ્યાત્મિક લેખોનો સંગ્રહ એટલે ‘અંધત્વનું અજવાળું’. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીરામભાઈ સોનીનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ચમત્કારો

કેટલાક કહે છે કે ચમત્કારોનો યુગ ગયો. તો કેટલાક કહે છે કે ચમત્કારો આજે પણ બને છે. ચમત્કાર એટલે શું ? જેનું કારણ સમજાય નહિ, જેનું સ્વરૂપ સમજાય નહિ તેને આપણે ચમત્કાર કહીએ છીએ. ટેલિવિઝન, મોબાઈલ ફોન આપણે મતે ચમત્કાર-રૂપ છે, પણ જે એની રચના જાણે છે તેને મન એ ચમત્કાર નથી.

ઈશ્વર મનુષ્ય તરીકે અવતરે કે નહિ એ પ્રશ્ન બાજુએ મૂકીએ, તોપણ જેને આપણે અવતાર કહીએ છીએ તે મનુષ્ય-રૂપે છે અને મનુષ્ય જ છે. અત્યારે એ ઈશ્વર નથી, મનુષ્ય છે. બધાં માપથી એ ઉત્તમ પુરુષ છે, પુરુષોત્તમ છે. એને અંશાવતાર કહી, પૂર્ણાવતાર કહી કે અવતારના અવતારી કહી મનુષ્ય તરીકે બિરાજાવી, પથ્થરની જડ મૂર્તિ બનાવી દેવાનું કરવું એ બાલિશતા છે, અજ્ઞાન છે. જે મનુષ્ય તરીકે જન્મે છે તે મનુષ્ય છે. મનુષ્ય સિવાય બીજું કંઈ એ નથી. સીતાના વિરહમાં રામ રડે છે. રામ એ મનુષ્ય છે, ભગવાન નથી. ધારો કે એ વેશ છે. તો વેશ પણ બરાબર ભજવાય છે ને ! ન ભજવાય તો એ પાત્ર ન રહે, અપાત્ર બની જાય. એટલે આ પુરુષ સામાન્ય મનુષ્યની પેઠે જ સુખદુઃખ અનુભવે છે, મનુષ્યના જેવી જ તકલીફો વેઠે છે.

કૃષ્ણ યુદ્ધમાંથી છટકે છે, ભક્તોના એ લાડીલા ‘રણછોડ’ બને છે. પણ શું કૃષ્ણ માત્ર યુદ્ધથી ડરીને ભાગે છે ? ના, યુદ્ધમાં પીછેહઠ પણ આગેકૂચ જેવી જ મહત્વની છે. પાષાણ હેઠળ આવેલો હાથ કળે, બળે કે છળે બહાર કાઢવો જોઈએ. તેવું આ છે. કૃષ્ણની જગાએ બીજો કોઈ અર્જુનના રથનો સારથિ હોત અને અર્જુને નથી લડવું કરી હથિયાર હેઠાં મેલ્યાં હોત, તો એણે શું કર્યું હોત ? એણે તરત રથને પાછો વાળ્યો હોત અને અર્જુનની આબરૂના કાંકરા થઈ ગયા હોત. પણ કૃષ્ણે એવું ન કર્યું. એ સામાન્ય સારથિ નહોતા. એ પુરુષ-ઉત્તમ એવા સારથિ હતા. આવા બધા પુરુષ-ઉત્તમ ગુણોને લઈને કૃષ્ણ પુરુષોત્તમ હતા. મનુષ્યની ઊંચામાં ઊંચી ઊંચાઈ – સંપૂર્ણ મનુષ્યત્વ તેમણે તેમના જીવન પરથી બતાવ્યું છે.

આપણા યુગમાં ગાંધીજી આવા પુરુષ છે. આપણે એમને અવતાર બનાવી, પથ્થરની મૂર્તિ બનાવી નથી દીધા એ આપણું સદભાગ્ય છે. રામ અને કૃષ્ણ મૂર્તિ બન્યા, તો આપના મનમાંથી મનુષ્ય તરીકે મટી ગયા. નુકશાન કોને થયું ? આપણને જ. મનુષ્યત્વનો ઉત્તમ નમૂનો આપણાથી આઘો ખસી ગયો ને અંતે કહેતા થયા કે ભાઈ ! એ તો ભગવાન હતા ! આપણાથી એમનો દાખલો ન લેવાય ! આપણી નબળાઈનું આ ચિહ્ન છે. આપણી નબળાઈને ઢાંકવા આપણે આવા લાળા ચાવીએ છીએ. ઠીક, તો આપણે વાત કરતા હતા મનુષ્યજીવનના ચમત્કારોની. જર વિચારો તો : પ્રાણીમાત્રનો જન્મ એ શું ચમત્કાર નથી ? ગાય, ભેંસ, ઘોડો, હાથી, હરણ વગેરે ઘાસખાઉ જાનવર છે. ફરક એટલો કે માણસ એ ઘાસનું બી (અન્ન) ખાય છે; જ્યારે પ્રાણીઓ બી મળે તો બી, નહિ તો ઘાસ ખાય છે. વાઘ, સિંહ વગેરે માંસાહારી પ્રાણીઓ છે, પણ તેઓ પોતાનું માંસ નથી ખાતાં કે પોતાના જેવાં બીજાં માંસાહારી જાનવરોનુંયે માંસ નથી ખાતાં. તેઓ માત્ર નિર્માંસાહારીનું માંસ ખાય છે. આવું કેમ હશે ? તેમનામાં આ વિવેક ક્યાંથી આવ્યો ? આદિમાનવમાંયે આવો વિવેક નહોતો; એ મનુષ્યનું માંસ પણ ખાતો હતો અને આજે ક્યાંક નરમાંસાહારીઓ છે પણ ખરા.

પ્રાણીઓના પેટમાં જતા આ ખોરાકનું થાય છે શું ? ભગવાન ગીતાના 15મા અધ્યાયમાં કહે છે : ‘अहं वैश्वानरो भूत्वा प्राणीनां देहमाश्रितः ।’ ‘હું વૈશ્વાનર અગ્નિ-રૂપે પ્રાણીમાત્રના દેહમાં રહેલો છું.’ દરેક પ્રકારનું અન્ન, જે પ્રાણી ખાય છે તે હું પકાવું છું ને પચાવું છું, હું એ ખોરાકનું શક્તિમાં રૂપાંતર કરી નાખું છું અને તેમ થતાં વધે તે કચરો મળમૂત્ર-રૂપે બહાર ફેંકી દઉં છું. ભગવાન આપણા શરીરમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. હલકામાં હલકું કામ કરતાં એમને શરમ કે સંકોચ નડતાં નથી. કામ એટલે કામ. જે કરવા જેવું છે અને જે કરવું જોઈએ તેને કામ કહે છે. આપણે કામને હલકું, નીચું કે ઊંચું કહી કામનું અપમાન કર્યું છે.

આપણા દેહમાં રહેલા આ વૈશ્વાનર ભગવાન કેવા ઉસ્તાદ કસબી છે એ જુઓ. એ બધા નિર્માંસાહારીઓના દેહમાં ખોરાકને એવી રીતે પચાવે છે કે એનું સત્વ, દરેકનું વિશિષ્ટ પ્રકારનું, જોવા મળે છે. ઘાસ બધાં જાનવરો – ગાય, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી ને હરણ ખાય છે, પણ દરેકના એક જ જાતના ખોરાકમાંથી સત્વ જુદુંજુદું પ્રગટ થાય છે. પરિણામે હરણનું બાળક હરણ-રૂપે જ અવતરે છે – અને તેવું જ બીજાં પ્રાણીઓનું. ખોરાક સૌનો એક, ખાવાની રીત એક અને છતાં દરેકનું સત્વ જુદું ! આ ચમત્કાર નથી તો શું છે ? આવું જ મનુષ્યમાં બને છે. મનુષ્યોમાં કોઈ માંસાહારી છે, તો કોઈ નિર્માંસાહારી છે. બંનેનો ખોરાક જુદો, ખાવાની રીત પણ જુદી, છતાં બંનેના દેહમાં વસેલા આ વૈશ્વાનર એવી કળા અજમાવે છે કે એ બંને જાતના ખોરાકમાંથી એક જ પ્રકારનું સત્વ પ્રગટ થાય છે અને બંને જાતના મનુષ્યનાં સંતાનો મનુષ્ય જ જન્મે છે. તમે કોઈ તરતના જન્મેલા મનુષ્યના બાળકને જોઈ કહી નહિ શકો કે આ બાળક માંસાહારીનું છે કે નિર્માંસાહારીનું ! આ ચમત્કાર નથી તો શું છે ?

મન અને બુદ્ધિ અગોચર છે, પણ ખોરાક તો પ્રત્યક્ષ છે, ભૌતિક ભૂમિકા પર છે. આપણે નજરોનજર આ ચમત્કાર જોતા હોઈએ છીએ, પણ એ એટલો બધો આપણી નિકટ છે કે આપણે એને દેખતા નથી. જે દેખે છે તે કહે છે કે ચમત્કારો આજે પણ બને છે.
.

[2] આસુરી ગુણો

ગીતાનો સોળમો અધ્યાય આત્મપરીક્ષણ માટે ફરીફરી વાગોળવા જેવો છે. તેમાં ભગવાને દૈવી ગુણસંપત્તિ અને આસુરી ગુણસંપત્તિનો ચિતાર આપ્યો છે. દૈવી સંપત્તિમાં તેના છવ્વીસ ગુણો દર્શાવી ઈતિશ્રી કરી છે. દૈવી ગુણોની છણાવટ સમગ્ર ગીતામાં અનેક સ્થળે છે. બારમો અધ્યાય ભક્તના ગુણ વર્ણવી દૈવી ગુણોની પ્રતિષ્ઠા કરે છે. એટલે ભગવાને 16મા અધ્યાયમાં આસુરી ગુણો વિશે વિસ્તારથી કહ્યું છે. ભગવાન કહે છે :

આસુરી ગુણવાળો માણસ પ્રવૃત્તિ કે નિવૃત્તિનો ભેદ સમજતો નથી; શું કરવાનું છે ને શું કરવા જેવું નથી, શાનાથી દૂર રહેવા જેવું છે તેની તેને સમજ નથી. એનામાં કાર્ય-અકાર્યનો ભેદ સમજવાની વિવેકબુદ્ધિ નથી. એ ઊડઝૂડ કામ કરનારો છે. મનમાં આવ્યું તે કરે કે છોડે. મનમાં આવ્યું તો અધવચ છોડી પણ દે. વિચારની શુદ્ધિ કે કાર્યની શુદ્ધિનું એને ભાન નથી. એ શુદ્ધ-અશુદ્ધની દરકાર કરતો નથી. ફાવે તેમ આચરે કે અનાચરે ! સત્યની સાથે એને કંઈ સગપણ નથી. એને તો જે ગમ્યું તે સત્ય. એની કામનાઓ પોષાય તે એનું સત્ય. એ માને છે કે જગત સત્ય પર આધારિત નથી, પણ અસત્ય પર જ જગત ટકેલું છે. જગતમાં અસત્યની જ પ્રતિમા છે. ઈશ્વર વિશે જો પૂછો તો કહેશે કે જોવો છે ઈશ્વર ? અબઘડી દેખાડું ! પછી કહેશે કે – જોઈ લો ‘એ’. હું જ ઈશ્વર છું. જગતમાં મારા સિવાય ક્યાંય બીજો કોઈ ઈશ્વર નથી. ઈશ્વર તરીકે હું બધા ભોગ ભોગવવાનો અધિકારી છું. અહીં જે કંઈ છે તે મારા માટે જ છે. હું સિદ્ધ પુરુષ છું, સર્વ કંઈ મારા માટે છે. હું સર્વ કાંઈનો માલિક છું. તમે યજ્ઞયાગ, દાનનું પૂછો તો કહેશે કે હું જે કરું છું તે યજ્ઞયાગ છે. હું યજ્ઞયાગ કરનારો છું. હું દાનેશ્વરી પણ છું. હું ભિક્ષુકને ચપટી લોટ આપું છું. મન થાય તો વધારે પણ આપું છું. ગામની નિશાળ બાંધવામાં મેં કેટલા બધા રૂપિયા આપ્યા છે, પૂછી જોજો ! દાતાઓની યાદીમાં મારું નામ સૌથી પહેલું હશે.

આવા આસુરી ગુણવાળા લોકો દંભ અને અભિમાનથી ભરેલા હોય છે. પોતાના વિશે તેમને ઘણો જ ઊંચો ખ્યાલ હોય છે. તેઓ બીજા કોઈની પરીક્ષામાં માનતા નથી. પોતે જ પોતાની મેળે નિર્ણય કરે છે અને તે નિર્ણય કરવામાં તેમની કામનાઓ, લાલસાઓ, લોભ, ઈર્ષ્યા વગેરે નિર્ણાયક બનતાં હોય છે. તેઓ માને છે કે બધી બુદ્ધિ અમારામાં છે. અમે ઊંચામાં ઊંચા કુળના છીએ. ખાનદાન પણ અમે જ છીએ. અમે છીએ તો આ જગત સહેતુક છે. અમારા વગર જગતનો કોઈ હેતુ નથી. આ લોકો માનપાનના ભૂખ્યા હોય છે. એમનાં વખાણ કરે, તેને તેઓ ડાહ્યો ગણે છે. તેમની ચાલે ન ચાલે તેને તેઓ મૂર્ખ ગણે છે. આ આસુરી લોકો ધનમાલના લોભી હોય છે. ગમે એટલું મળે તોયે એમને તૃપ્તિ થતી નથી. તેઓ રોજ વિચારે છે કે આજે મારી પાસે આટલું ધન છે, કાલે આટલું થશે. પેલાની પાસે મારા કરતાં વધારે છે, તેને પછાડવો જોઈશે. મારી હરીફાઈ કરે, તેના ટાંટિયા ભાંગવા જ જોઈએ. ટોચનો ધનપતિ તો હું જ. બીજો એ સ્થાને શોભે જ નહિ. ધન ભેગું કરવાની પ્રચંડ લાલસા એને સારાખોટાનો વિચાર કરવા દેતી નથી. ખરાખોટા રસ્તે – મોટે ભાગે ખોટા જ રસ્તે એ ધન ભેગું કરે છે. પછી એમાંથી બાવાને ચપટી આપે તેમ જાહેર દાન કરે છે. લોકો એને તાળીઓથી વધાવે છે અને એ કૂકડાની પેઠે ગળું ફુલાવી ફરે છે. કોઈ આત્મા-પરમાત્માની વાત કરે છે, તો આ લોકો એને વેદિયો કહી હસી કાઢે છે અને એને શિખામણ આપે છે કે બૂચા, જીવવું હોય ને જનમ સાર્થક કરવો હોય તો હું કરું છું તે કર. દેવું કરીને પણ ઘી પી ! ફરીફરી દેવું કોણ આપશે તેની ચિંતા ન કરતો. દુનિયા છેતરાવા તૈયાર બેઠેલી છે. ભેજું ચલાવ ને લોકોને – વ્યાજ પર નભતા લોકોને છેતરવાના અનેક રસ્તા છે. ધનવાનોને, જલદી પૈસાદાર થઈ જવાની ઈચ્છાવાળાને છેતરવાના અનેક રસ્તા છે. ભેજું ચલાવ. મારા જેવાની સંગાથે ચાલ. તારો બેડો પાર થઈ જશે !

આજે ચોમેર આ જ ચાલી રહ્યું છે. ભગવાન કહે છે કે હું આવા આસુરી ગુણોવાળાને ઘોર નરકમાં નાખું છું. પણ ભગવાન ગમે તે કહે, આ આસુરીઓના કાન એ સાંભળતા નથી. તેઓ તો રસ્તા કાઢી ચાલતા હોય તેમ ચાલે છે. કેટલાક તો રોજ ગીતા વાંચે પણ છે, કારણ કે ગીતાના માહાત્મ્યમાં કહેવાયું છે કે ગીતાનો એક શ્લોક, અરે અડધો શ્લોક વાંચવાથી પણ ભારે પુણ્ય થાય છે. એવો આ ધનની પેઠે એ પુણ્યનો સંચય કરવા રોજ ગીતાનો એક કે અડધો શ્લોક તો વાંચે જ છે અને જે કરતો હોય તે કર્યે જાય છે. પણ ભગવાન દયાળુ છે. એ આને નર્કમાં નાખે છે. પણ નર્ક કંઈ ગુનેગારને સજા કરવાની જેલ નથી અને ભગવાન એના દારોગા નથી. નર્ક તો સુધારણાગૃહ છે, જ્યાં વસેલાઓને ધીરેધીરે વિશ્વાસમાં લઈ સુધારવામાં આવે છે અને સાચા રસ્તે વાળવામાં આવે છે. આવું પરિણામ ઘડીકમાં ન આવે તે સ્વાભાવિક છે, એટલે આ આસુરી જીવને ફરીફરી પૃથ્વીની ને નર્કની યાત્રા કરવી પડે છે. પણ છેવટે સહુ સારાં વાનાં થાય છે. આટલું કહીને ભગવાન આ અધ્યાય પૂરો કરે છે.

આત્મનિરીક્ષણ એ આધ્યાત્મિક રાહે આગળ વધવાની મુખ્ય કળ છે. એટલે તો ભગવાને ખૂબ વિસ્તારથી બધંા કહ્યું છે અને માનવી ક્યાં ભૂલે છે, ક્યાં ભરમાય છે તે સ્પષ્ટ શબ્દોમાં બતાવ્યું છે.

[કુલ પાન : 164. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : ડૉ. રેણુકા શ્રીરામ સોની. સુતરિયા હાઉસ, ત્રીજો માળ, ભાઈકાકા ભવન પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-380006. ફોન : +91 79 26460225.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ત્રણ સંસ્થાઓ – વિનોબા ભાવે
જોઈએ – પ્રફુલ્લા વોરા Next »   

10 પ્રતિભાવો : અંધત્વનું અજવાળું – રમણલાલ સોની

 1. ankit shah says:

  રામ અને કૃષ્ણ મૂર્તિ બન્યા, તો આપના મનમાંથી મનુષ્ય તરીકે મટી ગયા. નુકશાન કોને થયું ? આપણને જ. મનુષ્યત્વનો ઉત્તમ નમૂનો આપણાથી આઘો ખસી ગયો ને અંતે કહેતા થયા કે ભાઈ ! એ તો ભગવાન હતા ! આપણાથી એમનો દાખલો ન લેવાય !
  What a thought…

 2. Labhshankar Bharad says:

  રામ-કૃષ્ણની મૂર્તિ બનાવવાથી કે ગાંધીજીની મૂર્તિ ન બનાવવાથી મારી દષ્ટીએ કંઈ જ ફરક નથી પડતો, પરિણામ વ્યક્તિની વિવેક બુધ્ધિ પર આધારિત છે. ભગવાન હોય કે મનુષ્ય, તેના સદ્દચરિત્ર – સદ્દવિચારોને એક આદર્શ માની, આપણા જીવનમા કેટલા અંશે અમલીકરણ કરી શકીએ છીએ તે મહત્વનું છે. ગાંધીજીની મૂર્તિ નથી બનાવી તો પણ – તેમને કેટલા લોકો, કેટલા અંશે અપનાવી શક્યા છે? જોઇએ- કવિ શ્રી. શેખાદમ આબુવાલાની પંક્તિ:
  “ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
  ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.”

 3. Rachana says:

  ખુબ સરસ અને સરળ લેખ

 4. nayan panchal says:

  આત્મનિરીક્ષણ એ આધ્યાત્મિક રાહે આગળ વધવાની મુખ્ય કળ છે. જીવનના સંધ્યાકાળે લખાયેલુ આ પુસ્તક આવી તો અનેક ચાવીઓથી ભરપૂર હશે.

  આવા પુસ્તક અને સુંદર લેખોનો પરિચય કરાવવા બદલ આભાર,
  નયન

 5. Deval Nakshiwala says:

  ખુબ જ સુઁદર અને જીવનઉપયોગી શીખ આપતા લેખો છે.

 6. JypTs says:

  Good and bad is everywhere…it’s all upto u ,what u want??

  ek j chingari thi aag pan lagi sake chhe ane jo buddhi thi vaprvama ave to ajvalu pan api sake chhe….

 7. Veena Dave. USA says:

  ખુબ સરસ લેખ્.
  લીલા કરી ત્યારે મનુષ્ય અને કંસ માર્યો ત્યારે અવતાર માનવા જેવો સગવડિયો ધરમ માણસ અપનાવતો થઈ ગયો.

 8. Anila Amin says:

  માનવિને સાચા અર્થમા માનવ બનાવે અને ખરેખર વિચારો અને આચરણથી અન્ધ થયેલાની આખો ખોલિ નવિ દિશાનુ

  સૂચન કરે તેવા બન્ને વિભાગો તો આખુ પુસ્તક કેવો જ્ઞાનનો ભન્ડાર હશે.? ગીતા ૫૦% લોકો નિયમિત વાચતા હશે , ૨૫% લોકો એના

  સમજવા પ્રયત્ન કરતા હશે અને ૨૫% માથી ભાગ્યેજ ૨% લોકો એને જિવનમા ઉતારવા પ્રયત્ન કરતા હશે. પુસ્તક લખનારતો

  જિવીને આપણા માટે લખી ગયા આવૃત્તિઓ છાપીને પૈસા રળવા માટે નહિ. આવા સુન્દર લેખો પસન્દ કરીને અમારા સુધી પહોચાડવા

  માટે મ્રૂગેશભાઈનો ખૂબ ખૂબ આભાર્.

 9. pragnaju says:

  આત્મનિરીક્ષણ એ આધ્યાત્મિક રાહે આગળ વધવાની મુખ્ય કળ છે.
  એટલે તો ભગવાને ખૂબ વિસ્તારથી બધંા કહ્યું છે અને માનવી ક્યાં ભૂલે છે,
  ક્યાં ભરમાય છે તે સ્પષ્ટ શબ્દોમાં બતાવ્યું છે.
  આદરણિય રમણભાઇના પ્રરણાદાયી વિચારો

 10. hiral says:

  સરસ લેખ.
  અત્યારે તો વીકીપિડીયા પર બધા ભગવાનોની (એક માણસના જીવનની) , એમનાં કાર્યોની બધી જાણકારી છે.


  સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘નબળાઇને પોતાના પગના અંગુઠે પણ અડકવા દેતા નહિં, તમે પોતે જ પ્રકાશપૂંજ છો. આત્મશ્રધ્ધાથી વિશેષ કશું જ નથી.’.


  મારા મતે સમયે સમયે અમુક મુખ્ય પ્રશ્નને સોલ્વ કરવા અમુક આત્મશ્રધ્ધાવાન લોકો કંઇક તર્ક લઇને આવે છે (પ્રજાના દુઃખમાં એ લોકો એટલાં દુઃખી થાય છે કે જેતે સમયની સમસ્યાને અનુરુપ એનાં નિકાલ માટે યોગ્ય દવા કરે છે. કોઇ રાવણનો નાશ કરે છે. કોઇ અર્જુનનાં સારથિ બને છે. કોઇ માનસિક શાંતિ માટે અને રત્નત્રય (સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર) ની પ્રાપ્તિ જ માનસિક શાંતિ અને આત્મશકિતનાં વિકાસનો માર્ગ છે એમ જણાવે છે. કોઇ ઇશ્વર નથી એવું લોજીક મૂકે છે. જીવ માત્ર ભગવાન છે એવું સમજાવીને ‘પશુ બલિ’, ‘હોમ’, ‘હવન્’ ‘તંત્ર, જ્યોતિષ’ વગેરે અંધશ્રધ્ધામાંથી બહાર નીકળીને પોતાની અંદર શ્રધ્ધાનો પ્રકાશપૂંજ જોવાની દ્રષ્ટિ આપે છે. કોઇ ફરીથી રિવાજો, રુઢીઓ અને જાતિવાદનાં લીધે ગુલામ પ્રજાને જુએ છે અને સત્યાગ્રહ, અહિંસા સત્યનાં પાઠ સાથે ફરીથી જનકલ્યાણ કરે છે.

  પ્રજા અભિભૂત થઇ જાય છે. મિડીયા નહોતું ત્યારે લોકોએ ગ્રંથોના ગ્રંથો આ અભિભૂતપણામાં લખ્યા છે. સંસ્કૃત, પ્રાકૃત છંદો અને કેટલાંય અધ્યાયો. જે તે માણસને એનાં ગયા પછી એટલો બધો ભકિતભાવથી યાદ કરવામાં આવ્યો કે એ ભગવાન તરીકે પૂજાવા લાગ્યો.

  ગાંધીજી કે સ્વામિવિવેકાનંદ બહુ જુના નથી. પોતાના હાથે ઘણું લખીને ગયા. મિડીયાના કારણે ગ્રંથો નહિં બનતા, એમનાં ઉપર ફિલ્મો બની. એટલે આપણે હજુ એમને પૂજા ઘરમાં સ્થાન નથી આપ્યું ભગવાન તરીકે.

  બાકી, સમસ્યાઓ નિરંતર નવા નવા સ્વરુપે આવતી રહી છે અને રહેશે. પ્રજાએ જ્ઞાનથી જે તે સમસ્યાના હલ માટે , જુના સમર્થ લોકોમાંથી ‘આત્મશ્રધ્ધા અને જીવનપધ્ધતિ’ શીખવાની છે. જરુરી માત્ર ‘નિઃસ્વાર્થ ભાવના છે’. પ્રજાનું કલ્યાણ શેમાં છે , પ્રજામાં પ્રશ્નો કયા છે એ માટે વર્તમાનમાં જીવવું પડે. પ્રેમ, દયા, નિતિમત્તા, ધીરજ, સત્ય, રાજકારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, મુલ્યો કેળવવાં પડે. સદાચાર અને પવિત્રતા અપનાવવાં પડે, મન, વચન અને કર્મની એકતાથી જ ક્રમિક વિકાસ થાય.
  ખૂબ મથવું પડે. ત્યારે પોતાની અંદર ભગવાન પેદા થાય. પોતાનો અને બીજાનો ઉધ્ધાર થાય. આપણે બધાંમાં આવી શકિત પડેલી છે. પ્રજાએ આવો ધર્મ શીખવાની જરુર હતી અને છે કે પ્રશ્નોનાં હલ માટે , વર્તમાનમાં જ જીવવું પડે. તો જ નવા ભગવાન પેદા થશે. બાકી ફરીથી ગુલામ બનશું.


  આદિમાનવો હતાં એ વખતે રાજા તરીકે રુષભદેવે પ્રજાને ૧)અસિ (શસ્ત્રવિધ્યા),૨ ) મસિ(પશુપાલન), ૩) કૃષિ (ખેતી), ૪) વિધ્યા, ૫) વ્યવહાર (બીઝનેસ) શીખવ્યો. સંસ્કૃતિનો વિકાસ કર્યો. તોય પ્રજામાં અમુક માનસિક શાંતિનાં પ્રશ્નો હતા. રુષભદેવે ધ્યાન કર્યું. ‘આત્મવિકાસનાં પગથિયાં બતાવ્યાં’. જેને મોક્ષમાર્ગ કહ્યો. હિંદુઓએ એમને ‘ભગવાન વિષ્ણુ કહ્યાં’, ‘જૈનોએ ‘ભગવાન આદિનાથ’.

  હવે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં ‘ટ્વીટર, ફેસબુક, રાજકારણ, વિજ્ઞાન સમજતાં નવા ભગવાન પેદા કરવાનાં છે. તો જ ભારતમાંથી ભ્રષ્ટાચારનો નાશ થશે.
  આર્થિક, સામાનિક અરાજકતાનો અંત આવશે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.