ત્રણ સંસ્થાઓ – વિનોબા ભાવે

આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈ પણ એક ચોક્કસ નક્કી કરેલી ભૂમિકા પરથી ચાલવો જોઈએ. તે મર્યાદામાં રહીને, તે એક ચોક્કસ કરેલી નિયમિત રીતથી આપણું જીવન ચાલે તો જ મન મોકળું રહી શકે. નદી છૂટથી, મોકળાશથી વહે છે પણ તેનો પ્રવાહ બંધાયેલો છે. બંધાયેલો ન હોય તો તે મોકળાપણું, તેની સ્વતંત્રતા એળે જાય. ઠરાવેલ ચોક્કસ રસ્તે ફરવા જવાની આપણને ટેવ પડી હોય તો રસ્તા તરફ ધ્યાન ન આપવા છતાં મનમાં વિચાર કરતાં કરતાં આપણે ફરી શકીએ છીએ, એ આપણા અનુભવની વાત છે. ફરવાને માટે રોજ નવો રસ્તો લઈએ તો બધું ધ્યાન તે રસ્તા તરફ રોકવું પડે છે. મનને પછી છૂટ રહેતી નથી. સારાંશ, જીવન બોજારૂપ ન લાગતાં જીવનમાં આનંદ લાગે તેટલા સારુ આપણે આપણા વહેવારને બાંધી લેવો જોઈએ.

આપણે જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થા કઈ ? આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા; આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; અને જે સમાજમાં આપણે જન્મ્યા તે સમાજ; આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસના આપણા આડોશી-પાડોશી એ ત્રીજી સંસ્થા છે. આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે તે આપણે અદા કરવું જોઈએ.

આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો આપણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમજ મોકળું રહે.

આ અર્થ સમજવાને સારું પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સો માણસો એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સૃષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શું છે ? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, ‘પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ. તેમાં ખેડ કર, સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.’ પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધિકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું, એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું, સૂતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડ્યો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ. આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારુ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાની છે તે યજ્ઞ એટલે સેવા છે, પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારુ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.

બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે. દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરું તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજા સાધનથી કરેલી મદદ તે દાન છે.

આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે. તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈન્દ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.

આમ સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે ચાલે એ રીતે વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થાઓ ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણ સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો મારો સ્વભાવપ્રાપ્ત ધર્મ છે. આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે. બીજી વાતો કરવાની વધારાની શક્તિ આપણી પાસે ફાજલ નહીં રહે. આ ત્રણ સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક આપણે પણ જો કહી શકીએ કે ‘હે ઈશ્વર ! તેં મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો. એ તારી ચાદર બરાબર તપાસી લે.’ તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.

યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં આપણે ભેદ જોયો, પણ ખરું જોતાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ તદ્દન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે. આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકશે જ નહીં. કેમકે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે, દાનથી સમાજમાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે અને તપથી શરીરમાં સામ્યાવસ્થા રહે છે. આમ, આ ત્રણે સંસ્થાઓમાં સામ્યાવસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ છે. એથી શુદ્ધિ થશે, દૂષિત ભાવ નીકળી જશે.

આ જે સેવા કરવાની છે તે માટે કંઈક ભોગ પણ લેવો પડશે. ભોગ એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ‘આહાર’ કહ્યો છે. આ શરીરરૂપી યંત્રને ખોરાકરૂપી કોલસો પૂરો પાડવો જરૂરી છે. એ આહાર પોતે યજ્ઞ નહીં હોય તો પણ યજ્ઞ પાર પાડવાની ક્રિયાનું એક અંગ છે. તેથી ‘આ ખાલી પેટ ભરવાપણું નથી, એને યજ્ઞકર્મ જાણ’ એમ આપણે કહીએ છીએ. બગીચામાંથી ફૂલ વીણી આણી ઈશ્વરને માથે ચડાવ્યાં તે પૂજા થઈ. પણ ફૂલ ઉગાડવાને માટે બગીચામાં જે મહેનત કરી તે પણ પૂજા જ છે. યજ્ઞ પૂરો પાર પાડવાને જે જે ક્રિયા કરવી જરૂરી છે તે એક પ્રકારની પૂજા જ છે. દેહને આહાર આપીએ તો જ તે કામ આપે. યજ્ઞનાં સાધનરૂપી થનારાં કર્મો તે બધાં પણ યજ્ઞ જ છે. આ શરીર સેવાને માટે હંમેશ ખડું રહે તે માટે તેને હું જે આહુતિ આપું છું તે આહુતિ યજ્ઞરૂપ છે. સેવાર્થે કરેલો આહાર પવિત્ર છે.

આ બધી વાતોના મૂળમાં વળી શ્રદ્ધા જોઈએ. સર્વ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે, એવો ભાવ જોઈએ. આ ઘણી જ મહત્વની વાત છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ સિવાય સેવામયતા આવી શકતી નથી. ઈશ્વરાર્પણની આ પ્રધાન વસ્તુને વીસર્યે ચાલે તેમ નથી.

[‘ગીતા પ્રવચનો’માંથી ટૂંકાવીને સાભાર. આ સંપૂર્ણ પુસ્તક આપ PDF સ્વરૂપે અહીંથી ડાઉનલોડ કરી શકો છો : Click Here ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જરાક – રવીન્દ્ર પારેખ
અંધત્વનું અજવાળું – રમણલાલ સોની Next »   

3 પ્રતિભાવો : ત્રણ સંસ્થાઓ – વિનોબા ભાવે

 1. pragnaju says:

  સર્વોદય વિચાર ક્રાંતીનું અદ ભૂત દર્શન
  યજ્ઞનાં સાધનરૂપી થનારાં કર્મો તે બધાં પણ યજ્ઞ જ છે. આ શરીર સેવાને માટે હંમેશ ખડું રહે તે માટે તેને હું જે આહુતિ આપું છું તે આહુતિ યજ્ઞરૂપ છે. સેવાર્થે કરેલો આહાર પવિત્ર છે.

  આ બધી વાતોના મૂળમાં વળી શ્રદ્ધા જોઈએ. સર્વ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે, એવો ભાવ જોઈએ. આ ઘણી જ મહત્વની વાત છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ સિવાય સેવામયતા આવી શકતી નથી. ઈશ્વરાર્પણની આ પ્રધાન વસ્તુને વીસર્યે ચાલે તેમ નથી.
  દરેકે વારંવાર પઠન,મનન,ચિંતન કરવા અને જીવનમા ઉતારવા જેવા દર્શનનુ પુસ્તક

 2. sunil U S A says:

  મનન ચિન્તન કરી આચરણ મા ઉતારવા લાયક લેખ

 3. જગત દવે says:

  સુંદર વિચારો…. આ જ વિચારો ને આજનાં પરિપેક્ષ્યમાં બદલી ને જોવાની જરુર છે. બની શકે કે મારા શ્રમ ને હું આજે હું સુતર કાંતી ને કપડું ન પેદા કરી શકું કે બાગ કામ માટે સમય ન ફાળવી શકું પણ મારા ભાગે આવેલ કાર્ય ને વિવિધ સમાજીક ઋણ ધ્યાનમાં રાખી ને કરું તો પણ ધણું. જો સાચા આધ્યાત્મને ભારત સમજ્યું હોત તો આજે ભ્રષ્ટાચારનાં ભરડાંમાં ન આવ્યું હોત અને ભ્રષ્ટાચાર ને સહન પણ ન કરતું હોત. આજે ડુંગળી લસણ વિ. ન ખાતો સમાજ લાંચ અને કાળું વ્યાજ આરામથી ખાઈ લે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.