તૂટતી શ્રદ્ધાનું ગીત – ઉશનસ્

નાથ, રમો નહીં આવી રીતે મુજ વિશ્વાસની સાથે,
ખતરનાક આ ખેલ છે મારા નાજુક શ્વાસની સાથે,

ખેંચ ખેંચ કરો મા ઝાઝું, તૂટી જશે એ તંત,
બિસથીયે નાજુક છે, એને છેડોના ભગવંત !
કઠણ કરો ના કો અજમાઈશ મુજ કુમળાશની સાથે….

શ્રદ્ધા મારી તૂટી જશે જો તમ ચરણોથી નાથ !
ખીલો મારો છૂટી જશે તો આ ભૂમા સંગાથ
નાતો નહીં રહે કોઈ ધરા કે તમ આકાશની સાથે…..

તમ ચરણે વિશ્વાસ છે, તેથી સૌ સંગે સંબંધ,
તૃણથી તે તારા લગ તેથી મારો મમતાબંધ,
ગાંઠ છૂટે તો શ્વાસ તૂટે શું કરશો લાશની સાથે ?…..

નાજુક શ્વાસના તાર ઉપર મેં છેડ્યું’તું તમ ગીત,
ઉચ્છલ છંદની છાલક છોળે છલકાવી’તી પ્રીત.
અવ તૂટતે લય અદ્ધર લટકું અંતિમ પ્રાસની સાથે….

નાથ, રમો નહીં આવી રીતે મુજ વિશ્વાસની સાથે,
ખતરનાક આ ખેલ છે મારા નાજુક શ્વાસની સાથે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મને વ્હાલાં લાગે – અનુપસિંહજી પરમાર
  

0 પ્રતિભાવ : તૂટતી શ્રદ્ધાનું ગીત – ઉશનસ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.